રાજકોટમાં પુરવઠા વિભાગનું સઘન ચેકિંગ: હોટેલ-રેસ્ટોરન્ટમાં ઘરેલુ ગેસના ઉપયોગ સામે કાર્યવાહી

SHARE:

રાજકોટ જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો અનધિકૃત ઉપયોગ અટકાવવા માટે સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કેટલીક જગ્યાએ કોમર્શિયલ ગેસની જગ્યાએ ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાની માહિતી સામે આવતા પુરવઠા વિભાગ સતર્ક બન્યો છે.

તપાસ દરમિયાન ટીમે ‘દીપ સેન્ડવીચ ફાસ્ટ ફૂડ’ નામની દુકાનમાં ચેકિંગ કરતા ઘરેલુ રાંધણ ગેસનો એક બાટલો જપ્ત કર્યો હતો. અધિકારીઓએ દુકાનદારોને ચેતવણી આપી હતી કે વ્યાપારી ઉપયોગ માટે માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જ ઉપયોગ કરવો ફરજિયાત છે.

આ ઉપરાંત રાજકોટની કનકાઈ હોટલ સહિત શહેરની અનેક હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા રસોઈમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરની પ્રકાર, સિલિન્ડરનો જથ્થો અને નિયમોનું પાલન થાય છે કે નહીં તેની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.

પુરવઠા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘરેલુ ગેસ સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ કરવો નિયમ વિરુદ્ધ છે અને આવી ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં ગેસ સિલિન્ડર સંબંધિત નિયમોનું પાલન થાય તે માટે આગામી દિવસોમાં પણ ચેકિંગ વધુ તેજ કરવામાં આવશે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz