કોરાટ ચોકમાં 2 કિમી લાંબી વાહનોની લાઈન
રાજકોટના કોરાટ ચોક વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ અહીં અંદાજે 2 કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ હતી. ટ્રાફિકનું દબાણ વધતા વાહનચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. ટ્રાફિક પોલીસ સ્થળ પર હાજર હોવા છતાં વધતા વાહનપ્રવાહને કારણે ટ્રાફિક નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડી હતી.
નવાગામ નજીક ગોડાઉનમાં આગ
રાજકોટના નવાગામ વિસ્તારમાં આવેલ ત્રિલોક કાર્ગો સર્વિસના પાર્સલ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉન પાસે રાખેલા અંદાજે 50 જેટલા ઓઈલના કેરબા સદનસીબે આગની ઝપેટમાં આવતાં બચી ગયા હતા, નહિતર મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જવાનો દ્વારા મહેનત કરીને આગ પર કાબુ મેળવી વધુ નુકસાન અટકાવવામાં આવ્યું.
150 ફૂટ રીંગ રોડ પર ટ્રીપલ અકસ્માત
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતા ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા ફરી શરૂ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ સુધી ઘટનામાં કોઈ જાનહાનિ અંગે માહિતી સામે આવી નથી.




