Modi Stadium ખાતે રમાઈ રહેલી ICC Men’s T20 World Cup 2026ની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કરભર્યો મુકાબલો જોવા મળી રહ્યો છે. આ મહત્વપૂર્ણ મુકાબલામાં ન્યુઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે ભારતીય ટીમે પહેલા બેટિંગ કરવાની શરૂઆત કરી.
ભારતીય ટીમ આ ફાઈનલમાં ઇતિહાસ રચવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી છે. ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરી રહ્યા છે અને ટીમ સતત બીજી વખત ટાઇટલ જીતવાની સાથે ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ મુકાબલો દેશભરમાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવી રહ્યો છે.
આ પહેલા સેમિફાઈનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે ન્યુઝીલેન્ડે પણ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન મજબૂત પ્રદર્શન કરીને ટાઇટલ મુકાબલામાં જગ્યા બનાવી છે. બંને ટીમો વચ્ચેની આ ફાઈનલને લઈને ક્રિકેટ જગતમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 મુકાબલાઓમાં ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે, પરંતુ ટી-20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડે ભારતને ત્રણેય વખત હરાવ્યું છે. તેથી આ ફાઈનલ મુકાબલો માત્ર ખિતાબ માટે જ નહીં પરંતુ જૂના આંકડાઓ બદલવા માટે પણ ભારતીય ટીમ માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે.


