દિલ્હી-એનસીઆર વિસ્તારમાં ફરી એકવાર CNGના ભાવમાં વધારો થતા વાહનચાલકોને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) દ્વારા 17 મે થી CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹1નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. સતત બીજા તબક્કામાં થયેલા ભાવ વધારાથી લોકોમાં ચિંતા વધી રહી છે.
આ પહેલા 15 મેના રોજ પણ CNGના દરમાં ₹2 પ્રતિ કિલોગ્રામનો વધારો કરવામાં આવ્યો હતો. નવા વધારા બાદ દિલ્હીમાં CNGનો ભાવ ₹80.09 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે. જ્યારે નોઈડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં CNGનો દર ₹88.70 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે.
વારંવાર થતા ભાવ વધારાની સીધી અસર ઓટો રિક્ષા, ટેક્સી ડ્રાઇવરો તેમજ રોજબરોજ CNG વાહન વાપરતા લોકો પર પડશે. પરિવહન ખર્ચ વધતા સામાન્ય લોકોના બજેટ પર પણ તેની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા લોકો માટે આ વધારો મુશ્કેલીરૂપ બની રહ્યો છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ ગેસના વધતા ભાવ અને આયાત ખર્ચમાં વધારો થવાને કારણે સ્થાનિક સ્તરે CNGના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં જાહેર પરિવહનના ભાડામાં પણ વધારો થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



