હળવદમાં ડીઝલ માટે હાહાકાર! પેટ્રોલ પંપો પર ટ્રેક્ટરની લાંબી કતારો, ખેડૂતોમાં રોષ
હળવદ પંથકમાં ડીઝલની અછતને લઈને ખેડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતીની સીઝન શરૂ થવાની તૈયારી વચ્ચે ટ્રેક્ટર અને પાણી ખેંચવાના મશીનો માટે ડીઝલ જરૂરી બન્યું છે, ત્યારે પેટ્રોલ પંપો પર ટ્રેક્ટર અને કેરબાની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
ચરાડવા ગામ પાસે પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરોની લાઈન
હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક આવેલા ભવાની પેટ્રોલ પંપ ખાતે ડીઝલ લેવા માટે ખેડૂતો વહેલી સવારથી જ પહોંચી ગયા હતા. પંપ બહાર ટ્રેક્ટર અને કેરબાની લાંબી કતારો લાગી ગઈ હતી. અનેક ખેડૂતો કલાકો સુધી રાહ જોયા બાદ પણ પૂરતું ડીઝલ ન મળ્યાની ફરિયાદ કરી રહ્યા છે.
ખેડૂતોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ડીઝલ સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે કટોકટી જેવી સ્થિતિ ઉભી થઈ છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
મધ્યરાત્રીએ પણ પેટ્રોલ પંપો પર ભીડ
હળવદ-ધન્યશયામગઢ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પર મધ્યરાત્રિ દરમિયાન પણ પેટ્રોલ અને ડીઝલ લેવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પંપ બહાર આશરે પાંચ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હોવાના દૃશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને ટ્રેક્ટર ચાલકો અને ખેડૂતોમાં વધુ ચિંતા જોવા મળી રહી છે, કારણ કે વરસાદ પહેલાં ખેતીના કામો માટે ડીઝલનો પૂરતો જથ્થો જરૂરી હોય છે.
“જથ્થો હોવા છતાં ડીઝલ મળતું નથી”
સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે પેટ્રોલ પંપો પાસે ડીઝલનો જથ્થો હોવા છતાં સામાન્ય ખેડૂતોને પૂરતું ડીઝલ આપવામાં આવતું નથી. કેટલાક લોકો બેરલમાં ડીઝલ ભરી લઈ જતા હોવાના આક્ષેપો વચ્ચે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે.
ઘણા ખેડૂતોનું કહેવું છે કે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ખાલી હાથે પરત ફરવાની ફરજ પડી રહી છે.
પુરવઠા વિભાગ સામે પણ સવાલ
આ સમગ્ર મામલે પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં જવાબદાર અધિકારીનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. જેના કારણે ખેડૂતોમાં વધુ નારાજગી ફેલાઈ છે.
હાલ હળવદ પંથકમાં ડીઝલની અછત અને લાંબી કતારોને લઈને ચિંતાનો માહોલ સર્જાયો છે.



