રાજકોટના લાલપરી સ્મશાનમાં મૃતદેહ દહન માટેના પંખાની ચોરી, સ્થાનિકોમાં રોષ
રાજકોટ શહેરના મોરબી રોડ જકાતનાકા નજીક આવેલા લાલપરી વિસ્તારના સ્મશાનમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતદેહના દહન દરમિયાન ઉપયોગમાં લેવાતા પંખાની અજાણ્યા શખ્સોએ ચોરી કરી જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સામાન્ય રીતે સ્મશાન જેવી પવિત્ર અને સંવેદનશીલ જગ્યાએ લોકો શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ વિદાય માટે આવતા હોય છે, ત્યારે ત્યાંથી સરકારી અથવા જાહેર ઉપયોગની વસ્તુની ચોરી થવી અનેક સવાલો ઉભા કરી રહી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સ્મશાનમાં મૃતદેહના દહન દરમિયાન સુવિધા માટે પંખો લગાવવામાં આવ્યો હતો. જોકે તાજેતરમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ પંખો ચોરી કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્મશાન સંચાલકો અને સ્થાનિક આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી.
આ બનાવ બાદ સ્થાનિકોમાં અસામાજિક તત્વો સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે ચોરો હવે સ્મશાન જેવી જગ્યા પણ છોડતા નથી, જે સમાજ માટે ચિંતાજનક બાબત છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને ચોરી કરનાર શખ્સોને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.


