રાજકોટના સોની બજારમાં ભીષણ આગ: દિયા ગોલ્ડ પોલિસિંગ દુકાનમાં લાગેલી આગથી અફરાતફરી, ફાયર ટીમે પરિસ્થિતિ કાબૂમાં લીધી

SHARE:

રાજકોટ શહેરના વ્યસ્ત સોની બજાર વિસ્તારમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સોની બજારમાં આવેલ દિયા ગોલ્ડ પોલિસિંગ નામની દુકાનમાં અચાનક ધુમાડા નીકળતા આસપાસના વેપારીઓ દુકાન બહાર દોડી આવ્યા હતા. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ રાજકોટ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ચાર ફાયર ફાઈટર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. સોની બજારનો વિસ્તાર સાંકડો અને ભીડભાડવાળો હોવાને કારણે ફાયર ટીમને કામગીરી દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લઈ વધુ દુકાનો સુધી ફેલાતી અટકાવી હતી.

પ્રાથમિક માહિતી મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ચોક્કસ કારણ જાણવા ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં રહેલા માલસામાન અને મશીનોને નુકસાન પહોંચ્યાનું જાણવા મળ્યું છે. આગની ઘટનાને પગલે વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']