- સુરતના માંગરોળમાં તળાવ બન્યું કાળ, માછીમારી દરમિયાન બે કિશોરના ડૂબી જવાથી મોત
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દાદા સાથે માછીમારી કરવા ગયેલા બે કિશોર તળાવમાં ડૂબી જતા તેમના કરુણ મોત નિપજ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને કિશોર પોતાના દાદા સાથે ગામ નજીક આવેલા તળાવ પાસે માછીમારી માટે ગયા હતા. દરમિયાન બંને કિશોર પાણીની નજીક ગયા હતા ત્યારે અચાનક ઊંડા પાણીમાં ખાબકી ગયા હોવાનું સામે આવ્યું છે. બંનેને ડૂબતા જોઈ આસપાસ હાજર લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ પાણી વધુ ઊંડું હોવાને કારણે તરત બચાવી શકાયા નહોતા.
ઘટનાની જાણ થતાં ગામલોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી લાંબી શોધખોળ બાદ બંને કિશોરોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવ બાદ પરિવારજનોમાં આક્રંદનો માહોલ સર્જાયો હતો.
ઘટના અંગે જાણ થતાં ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનાએ મહુવેજ ગામમાં ગમગીની ફેલાવી દીધી છે અને ગ્રામજનોમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.


