ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
અમદાવાદ: રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ, તેજ પવન અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગના તાજા બુલેટિન મુજબ 30 મેથી 2 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધવાની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
હાલ રાજ્યમાં ગરમી અને બફારાનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો સક્રિય થતા ચોમાસા પૂર્વેનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.
હવામાન વિભાગે ખેડૂતોને ખાસ સાવચેત રહેવા સૂચના આપી છે. ખુલ્લામાં રાખેલા પાક અને કૃષિ સાધનોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે. વીજળી પડવાની શક્યતા હોવાથી ખુલ્લા મેદાનોમાં ઉભા ન રહેવા અને વૃક્ષોની નીચે આશરો ન લેવા સૂચના અપાઈ છે.
દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ યથાવત રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અચાનક પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન રાજ્યના હવામાન પર સતત નજર રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે.


