રાજકોટમાં શિક્ષણને ઝટકો: 45 હજારથી વધુ વિદ્યાર્થીઓ શાળાથી થયા દૂર, તંત્ર ચિંતિત
રાજકોટ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં શિક્ષણ ક્ષેત્રને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. સર્વે મુજબ જિલ્લામાં 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હોવાનું નોંધાયું છે. આ આંકડાઓએ શિક્ષણ વિભાગની સાથે વાલીઓ અને સમાજમાં પણ ગંભીર ચિંતા ઉભી કરી છે.
સર્વેમાં જાણવા મળ્યું છે કે પ્રાથમિકથી લઈને માધ્યમિક કક્ષાના હજારો વિદ્યાર્થીઓ હાલ શાળાના મુખ્ય પ્રવાહથી બહાર છે. કેટલાક વિદ્યાર્થીઓ પરિવાર સાથે સ્થળાંતર કરવાના કારણે શિક્ષણથી દૂર થયા છે, તો કેટલાક આર્થિક પરિસ્થિતિ, બાળમજૂરી, પારિવારિક જવાબદારીઓ અથવા અન્ય કારણોસર અભ્યાસ ચાલુ રાખી શક્યા નથી.
ખાસ કરીને ધોરણ 8 પછી વિદ્યાર્થીઓમાં અભ્યાસ છોડવાનો દર વધુ જોવા મળ્યો છે. શિક્ષણ નિષ્ણાતોના મતે આ ઉંમરે યોગ્ય માર્ગદર્શન અને સતત દેખરેખનો અભાવ પણ ડ્રોપઆઉટનું એક મહત્વનું કારણ બની શકે છે.
આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દિક્ષિત પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધી કાઢવા અને તેમને ફરી શાળામાં દાખલ કરવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે. વિભાગની ટીમો વાલીઓ સાથે સંપર્ક કરી વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે પુનઃ જોડવા માટે પ્રયાસો કરી રહી છે.
શિક્ષણ વિભાગનું લક્ષ્ય માત્ર નવા પ્રવેશ વધારવાનું નથી, પરંતુ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની ખાતરી કરવાનું છે. આગામી સમયમાં વિશેષ કાઉન્સેલિંગ, ઘર મુલાકાત અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કામગીરી કરવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં સામે આવેલા આ આંકડાઓ શિક્ષણ વ્યવસ્થા માટે ચેતવણીરૂપ માનવામાં આવી રહ્યા છે. હવે જોવું રહ્યું કે તંત્રના પ્રયાસો કેટલા સફળ રહે છે અને કેટલા વિદ્યાર્થીઓ ફરી શાળાના દરવાજા સુધી પહોંચે છે.




