રાજકોટ: એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના લોધાવાડ ચોક ખાતે બે દિવસ પહેલાં થયેલી મારામારીની ઘટનામાં હવે નવો વળાંક સામે આવ્યો છે. ઘટનાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં પોલીસના યુનિફોર્મમાં અથવા પોલીસ જેવા વસ્ત્રોમાં દેખાતી એક વ્યક્તિ સાથે પણ ઘર્ષણ અને હાથાપાઈ થતી હોવાનું જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં ત્યારબાદ તે વ્યક્તિ એક કારમાં બેસીને સ્થળ પરથી નીકળી જતી હોવાનું પણ જોવા મળે છે. જોકે, વીડિયોમાં દેખાતી વ્યક્તિ ખરેખર પોલીસ કર્મચારી છે કે પછી કોઈ અન્ય વ્યક્તિએ પોલીસ જેવા કપડાં પહેર્યા હતા તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેમજ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓની પણ પોલીસ તરફથી પુષ્ટિ કરવામાં આવી નથી.
આ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોની સત્યતા શું છે, વીડિયોમાં દેખાતી વ્યક્તિની ઓળખ શું છે અને સમગ્ર ઘટનામાં તેની શું ભૂમિકા હતી તે સહિતના મુદ્દાઓની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે.


