ગોંડલ-વોરાકોટડા રોડ પર ગંભીર બસ અકસ્માત, બે મહિલાના મોત, 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
ગોંડલ-વોરાકોટડા રોડ પર આજે હૃદયદ્રાવક બસ અકસ્માતની ઘટના સામે આવી છે. બગદાણાથી ગોંડલ આવી રહેલી મુસાફર બસ અચાનક પલટી જતા ઘટનાસ્થળે જ બે મહિલા મુસાફરોના કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. બસ અચાનક નિયંત્રણ ગુમાવતા રોડ પર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસમાં સવાર અનેક મુસાફરો બસની અંદર ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
અકસ્માતમાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવાની પણ તજવીજ હાથ ધરાઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. સાથે જ શિવમ સાર્વજનિક ટ્રસ્ટની ટીમ પણ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઈ હતી અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અકસાનતને કારણે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પોલીસે ટ્રાફિક નિયંત્રણમાં લઈ માર્ગ ફરી શરૂ કરાવ્યો હતો. હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે, જોકે પ્રાથમિક તબક્કે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


