રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના બે વર્ષ પૂર્ણ, 27 મોત બાદ પણ કેસની કાર્યવાહી ધીમી
રાજકોટમાં બનેલી TRP ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટનાને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. 2024માં બનેલી આ હૃદયદ્રાવક ઘટનામાં ગેમ ઝોનના માલિક પ્રકાશ હિરણ સહિત કુલ 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સમગ્ર રાજ્યને હચમચાવી દેનારી આ ઘટના આજે પણ લોકોના મનમાં ભય અને દુઃખની લાગણી ઉભી કરે છે.
આ કેસમાં કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી બે આરોપીઓના મોત થઈ ચૂક્યા છે. મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા સહિત 14 આરોપીઓ હાલ જામીન પર બહાર હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પીડિત પરિવારો હજુ સુધી ઝડપી ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
ફરિયાદી પક્ષે નવેમ્બર 2024માં કોર્ટ સમક્ષ ડે-ટુ-ડે ટ્રાયલ ચલાવવાની માંગણી કરી હતી, પરંતુ આરોપીઓ દ્વારા લાંબા સમય સુધી વકીલ ન રાખવા સહિતના કારણોસર કેસની કાર્યવાહી ધીમી પડી હતી. ફરિયાદી પક્ષનો આરોપ છે કે કેસ લાંબો ખેંચાય તે માટે આરોપીઓ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
કોર્ટ કાર્યવાહી દરમિયાન પોસ્ટમોર્ટમ કરનાર પાંચ ડોક્ટરોની જુબાની નોંધાઈ ચૂકી છે, જ્યારે એક ડોક્ટરની જુબાની આગામી સમયમાં લેવામાં આવનાર છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લોકોમાં હજુ પણ ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
ગુજરાતમાં બનેલી ચાર મોટી દુર્ઘટનાઓમાં રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ પ્રથમ બોર્ડ પર આવતાં સમગ્ર દેશમાં આ કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આગ સુરક્ષા, ગેરકાયદેસર બાંધકામ અને વહીવટી બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા હતા.
બે વર્ષ બાદ પણ મૃતકોના પરિવારજનો માટે આ ઘટના માત્ર યાદ નથી, પરંતુ ન્યાય માટેની સતત લડાઈ બની ગઈ છે.


