સાંઢિયા પુલની મુલાકાતે મેયર નેહલ શુક્લા, 72 કરોડના પ્રોજેક્ટની કામગીરીમાં ખામીઓ સામે આવતા અધિકારીઓને ફટકાર

SHARE:

સાંઢિયા પુલની મુલાકાતે મેયર નેહલ શુક્લા, 72 કરોડના પ્રોજેક્ટની કામગીરીમાં ખામીઓ સામે આવતા અધિકારીઓને ફટકાર

રાજકોટ શહેરના નવા મેયર નેહલ શુક્લાએ પદ સંભાળ્યા બાદ શહેરના વિકાસકાર્યોની ગુણવત્તા અને જવાબદારી અંગે કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં અંદાજે 72 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સાંઢિયા પુલની મુલાકાત દરમિયાન મેયર સહિતના પદાધિકારીઓએ કામગીરીમાં જોવા મળેલી ખામીઓ અંગે તંત્રને આડે હાથ લીધું હતું. જાહેર સુવિધાઓના મહત્વના પ્રોજેક્ટોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો.

સાંઢિયા પુલની મુલાકાત દરમિયાન મેયર નેહલ શુક્લા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા તેમજ શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. પુલની સ્થળ પરની સમીક્ષા દરમિયાન ફિનિશિંગ વર્ક સહિતની કેટલીક ક્ષતિઓ સામે આવતા પદાધિકારીઓએ અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યા હતા. નવીન પ્રોજેક્ટ હોવા છતાં તેમાં ખામીઓ જોવા મળતા પદાધિકારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.

મેયર નેહલ શુક્લાએ અધિકારીઓને તાત્કાલિક ધોરણે તમામ ખામીઓ દૂર કરવા અને જરૂરી રિપેરિંગ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકોના પૈસાથી બનતા વિકાસકાર્યોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. સાથે જ ભવિષ્યમાં આવા પ્રોજેક્ટોમાં વધુ સતર્કતા રાખવા અને કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મેયર તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નેહલ શુક્લા સતત મેદાનમાં ઉતરી વિવિધ પ્રોજેક્ટો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા કરી રહ્યા છે. ગઈકાલે પણ તેમણે સિવિક સેન્ટરની મુલાકાત દરમિયાન સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

નવા પદાધિકારીઓની ટીમ દ્વારા જુના પદાધિકારીઓને સાથે રાખીને શહેરના વિકાસકાર્યોમાં સંકલન અને જવાબદારીનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાંઢિયા પુલની મુલાકાત દરમિયાન અપાયેલ કડક સૂચનાઓને લઈને હવે તંત્ર ખામીઓ દૂર કરવા માટે કેટલું ઝડપી અને અસરકારક પગલું ભરે છે તેના પર સૌની નજર રહેશે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']