ગાંધીનગરઃ સાંતેજમાં પ્લાસ્ટિક કંપનીમાં આગની ચપેટમાં આવેલા એક વ્યક્તિનું મોત
ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. આગની ચપેટમાં આવતા અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવા માટે લગભગ 12 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ગઈકાલે સાંજે લાગેલી આ આગ આજે સવારે કાબૂમાં આવી શકી હતી, જેના કારણે વિસ્તારમાં ભારે નુકસાન થયું છે.
સુરતઃ ઉધનામાં ભાજપના યુવા નેતાની હત્યાનો ઉકેલાયો ભેદ
સુરતમાં ઉધના વિસ્તારમાં ભાજપના યુવા નેતાની થયેલી હત્યાના મામલાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ઉધના પોલીસે મહારાષ્ટ્રના જલગાવમાંથી મુખ્ય આરોપી મિલિદ કોળીની ધરપકડ કરી છે, જ્યારે તેને ઝડપી પાડવામાં ઉધના પોલીસ અને LCBની સંયુક્ત ટીમે કામગીરી કરી હતી. આરોપીને પકડવા માટે પોલીસે બે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ કિસન પરમાર અને પંકજ પાટીલ નામના અન્ય બે આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની તપાસ આગળ વધી રહી છે અને વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


