મોરબીના જેતપર ગામે વીજ કંપનીની કામગીરીને લઈને તણાવ, મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
મોરબી જિલ્લાના જેતપર ગામે વીજ કંપની દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરીને લઈને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી માટે સ્થળ પર પહોંચતા ગામમાં વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. કામગીરીના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો તેમજ મહિલાઓ સ્થળ પર એકત્ર થયા હતા.
મળતી માહિતી મુજબ, હળવદ ટ્રાન્સમિશન લાઇન સંબંધિત કામગીરીને લઈને લાંબા સમયથી ગ્રામજનો અને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન પર કામગીરી શરૂ કરતા પહેલાં યોગ્ય વળતર અને જરૂરી ખાતરી આપવામાં આવવી જોઈએ. જોકે આજે કંપની દ્વારા પોલીસ સુરક્ષા વચ્ચે કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવતા વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો.
વિરોધ દરમિયાન મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો છતાં મહિલાઓએ કામગીરીનો વિરોધ યથાવત રાખ્યો હતો. સ્થિતિ વધુ તંગ બનતા પોલીસે અનેક મહિલાઓને ડિટેઇન કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
બીજી તરફ, ખેડૂતોનો સ્પષ્ટ સુર છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે અને વળતર અંગે સંતોષકારક નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી તેઓ કામગીરીનો વિરોધ ચાલુ રાખશે. હાલ પણ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો સ્થળ પર હાજર રહી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.



