રાજકોટ ભાજપ નેતા બાબુભાઈ માટિયા સામે જમીન વિવાદ: ₹7 કરોડની જમીન સરકાર હસ્તક ખાલસા કરવાનો કલેક્ટરનો આદેશ

SHARE:

રાજકોટ ભાજપના નેતા બાબુભાઈ માટિયા સામે જમીન વિવાદનો ગંભીર મામલો સામે આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરતા માલિયાસણ વિસ્તારમાં આવેલી આશરે ₹7 કરોડ મૂલ્યની જમીન સરકાર હસ્તક ખાલસા (જપ્ત) કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

મળતી માહિતી મુજબ, આ જમીન “નવી શરત” પ્રકારની હતી, જેમાં જમીનના વેચાણ અથવા હસ્તાંતરણ માટે સરકારની પૂર્વ મંજૂરી અને નિર્ધારિત પ્રીમિયમ ભરવું ફરજિયાત હોય છે. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ નિયમોનું પાલન કર્યા વગર જ જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતું. રેવન્યુ વિભાગની તપાસમાં આ પ્રક્રિયાને નિયમોનું ઉલ્લંઘન ગણાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર દ્વારા રેકોર્ડની વિગતવાર તપાસ બાદ આ જમીન સરકારના નામે ખાલસા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ સંબંધિત દસ્તાવેજો અને હસ્તાંતરણની પ્રક્રિયાની પણ ઊંડાણપૂર્વક ચકાસણી ચાલી રહી છે.

આ મામલે બાબુભાઈ માટિયાએ પોતાની પ્રતિક્રિયામાં ભૂલ સ્વીકારી હોવાનું જાણવા મળે છે અને કહ્યું છે કે પ્રીમિયમ ચૂકવ્યા વગર વેચાણ થવું તેમની તરફથી થયેલી ભૂલ હતી. આ નિવેદન બાદ સ્થાનિક રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.

હાલ સમગ્ર મામલો વહીવટી અને કાનૂની પ્રક્રિયામાં છે અને આગળની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']