રાજકોટમાં ચવાણાના પેકેટમાંથી મૃત ગરોળી મળતા હડકંપ, ગ્રાહકોમાં રોષ
રાજકોટ શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં વેચાતી ગોકુલ કંપનીની ચવાણાની એક પેકેટમાંથી મૃત ગરોળી મળી આવતાં ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ એક ગ્રાહકે દુકાનમાંથી ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું. પેકેટ ખોલીને નાસ્તો કરતી વખતે અંદર મૃત ગરોળી દેખાતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ એકત્ર થયા હતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
ગ્રાહક દ્વારા આ મામલે કંપની અને સંબંધિત તંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. પેકેટબંદ ખાદ્ય વસ્તુઓમાં આવી બેદરકારી સામે આવતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને ખાદ્ય સુરક્ષા અને ઉત્પાદન પ્રક્રિયામાં ગુણવત્તા નિયંત્રણ અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. ગ્રાહકોનું કહેવું છે કે આવી ઘટનાઓ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બની શકે છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
ઘટનાની જાણ ફૂડ સેફ્ટી વિભાગ સુધી પહોંચાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા ચવાણાના સેમ્પલ અને પેકેટની તપાસ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો તપાસમાં બેદરકારી સામે આવશે તો કંપની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. ઘટનાએ ફરી એકવાર પેકેટબંદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા અંગે ચર્ચા જગાવી છે.




