ગીર ગઢડામાં હનીટ્રેપનો ચોંકાવનારો બનાવ, આધેડ પાસેથી રૂ. 2 લાખ પડાવ્યાનો આક્ષેપ
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ગીર ગઢડા વિસ્તારમાં હનીટ્રેપનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ધાર્મિક મેસેજથી શરૂ થયેલી ઓળખાણ બાદ એક આધેડ વ્યક્તિને ફસાવી રૂપિયા 2 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે એક મહિલા સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગીર ગઢડા નજીક આવેલા દ્રોણેશ્વર ગુરુકુળમાં નોકરી કરતા એક આધેડ વ્યક્તિના મોબાઈલ પર થોડા દિવસ પહેલાં અજાણી યુવતી દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક પ્રકારના મેસેજ મોકલવામાં આવ્યા હતા. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને બાદમાં ઓળખાણ વધુ ગાઢ બની હતી. યુવતીએ વિશ્વાસમાં લઈ આધેડ સાથે સતત સંપર્ક રાખ્યો હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદ મુજબ, થોડા દિવસો બાદ ચાર શખ્સો અચાનક આધેડ પાસે પહોંચ્યા હતા અને પોતાને પોલીસ કર્મચારી તરીકે ઓળખાવ્યા હતા. શખ્સોએ યુવતી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલી હોવાનું કહી આધેડને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ, યુવતી સાથેના સંબંધોને જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આક્ષેપ છે કે સમગ્ર મામલાને દબાવી દેવા અને નામ બહાર ન આવે તે માટે આધેડ પાસેથી રૂ. 2 લાખ પડાવવામાં આવ્યા હતા. બાદમાં પોતે હનીટ્રેપનો ભોગ બન્યો હોવાની સમજ થતાં આધેડે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.
પોલીસે ફરિયાદના આધારે એક મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ આરોપીઓની ભૂમિકા, રૂપિયા કઈ રીતે લેવાયા અને આ ગેંગ અગાઉ પણ આવા બનાવોમાં સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાએ ગીર ગઢડા વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.


