રાજકોટની મેડિકેર હોસ્પિટલ વિવાદમાં નવા ખુલાસા

SHARE:

રાજકોટની મેડિકેર હોસ્પિટલ વિવાદમાં નવા ખુલાસા

સારવાર દરમિયાન મહિલાને ગંભીર રીએકશન આવ્યાનો આક્ષેપ, હોસ્પિટલના બે ડોક્ટરના જુદા જુદા નિવેદનોથી ઉઠ્યા સવાલ

રાજકોટ શહેરની મેડિકેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલી એક મહિલાને આપવામાં આવેલી દવાઓ અને સારવાર બાદ ગંભીર રીએકશન આવ્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને લઈને દર્દી પરિવારજનો દ્વારા હોસ્પિટલની બેદરકારીના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. બીજી તરફ હોસ્પિટલ સાથે જોડાયેલા બે ડોક્ટરના વિરોધાભાસી નિવેદનો સામે આવતા સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

માહિતી મુજબ, મહિલાને સારવાર દરમિયાન ગેસ્ટ્રોલોજી સંબંધિત હેવી ડોઝ આપવામાં આવ્યા બાદ શરીરે ગંભીર પ્રતિક્રિયા દેખાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ અંગે ડૉ. અમિત વસાણીએ જણાવ્યું હતું કે, ગેસ્ટ્રોલોજીની હેવી ડોઝને કારણે દર્દીને રીએકશન આવ્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. તેમના આ નિવેદન બાદ સારવાર પ્રક્રિયા અને દવાઓના ઉપયોગને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

બીજી તરફ હોસ્પિટલના પાર્ટનર ડૉ. અંકુર વરસાણીએ આ સમગ્ર ઘટનાને “નસીબજન્ય રીએકશન” ગણાવી વિવાદિત નિવેદન આપ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. એક જ હોસ્પિટલના બે ડોક્ટરના અલગ અલગ નિવેદનો સામે આવતા દર્દી પરિવાર તેમજ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, જો દવાના હેવી ડોઝના કારણે રીએકશન આવ્યું હોય તો જવાબદારી કોની ગણાશે અને જો માત્ર નસીબને જવાબદાર ગણાવવામાં આવે તો સારવારની પારદર્શિતાને લઈને પ્રશ્નો ઊભા થાય છે.

દર્દી મહિલાના સામાન્ય હાલતના તેમજ સારવાર બાદ ગંભીર સ્થિતિમાં થયેલા ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફોટોમાં મહિલાની હાલતમાં થયેલો મોટો ફેરફાર સ્પષ્ટ જોવા મળતો હોવાનું પરિવારજનોનું કહેવું છે. પરિવારનો આક્ષેપ છે કે, યોગ્ય સારવાર અને દેખરેખના અભાવે મહિલાની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ છે.

આ સમગ્ર મામલે રાજકોટ આરોગ્ય વિભાગ, જિલ્લા કલેક્ટર કચેરી તેમજ ગુજરાત મેડિકલ કાઉન્સિલ સમક્ષ જવાબ રજૂ કરવામાં આવ્યો હોવાનું ડૉ. અમિત વસાણીએ જણાવ્યું છે. હવે આરોગ્ય વિભાગ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરાશે કે કેમ તે અંગે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

શહેરમાં આ ઘટનાને લઈને ખાનગી હોસ્પિટલોમાં દર્દી સુરક્ષા, દવાઓના ડોઝ અને સારવારની જવાબદારી અંગે ફરી ચર્ચા તેજ બની છે. દર્દી સંગઠનો પણ આ મામલે પારદર્શક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']
વધુ જુઓ