ગાંધીનગરના સાંતેજમાં પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ, એકનું મોત, ત્રણ ગંભીર
જિલ્લાના સાંતેજ વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ અગ્નિકાંડમાં આગની ચપેટમાં આવતા એક વ્યક્તિનું કરુણ મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
માહિતી મુજબ, ગઈકાલે સાંજના સમયે અચાનક કંપનીમાં આગ ભભૂકી ઉઠી હતી અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્લાસ્ટિક સામગ્રી વધુ પ્રમાણમાં હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની અનેક ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે તેને કાબૂમાં લેવા માટે અંદાજે 12 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો. ભારે જહેમત બાદ આજે સવારે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી.
અગ્નિકાંડના કારણે કંપનીને ભારે નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. હાલ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભય અને ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો.


